ગુજરાત- 20 વર્ષ ની વિકાસયાત્રા ” જય જય ગરવી ગુજરાત ! દીપે અરુણું પ્રભાત “
આ પંકિત યાદ કરતાંની સાથે જ આપણને ગુજરાતના પ્રખર સુધારાવાદી અને નીડર કવિ નર્મદની યાદ આવી જાય છે . ગુજરાત પહેલાથીજ ગૌરવવંતુ છે છતાં છેલ્લા બે દાયકા એટલે 20 વર્ષના સમયગાળામાં ગુજરાતે વિકાસ ની હરણફાળ ભરી છે . દરેક ગુજરાતી માટે આ બાબત ગૌરવપૂર્ણ છે .
ગુજરાતના છેલ્લા 20 વર્ષોમાં વિકાસના એકેય ક્ષેત્ર ને અછુતું નથી રાખ્યું . ગુજરાતે તમામ ક્ષેત્રે વિકાસના નવા જ આયામો પ્રસ્થાપિત કર્યા છે . દરેક ક્ષેત્રોમાં વિકાસ અને ગુજરાતીઓના પુરુષાર્થે ગુજરાતને વિશ્વ લક ઉપર મૂકી દીધું છે . ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં કૃષિથી માંડીને ઉદ્યોગ , પીવાના પાણીથી માંડીને આંતરમાળખાકીય સવલતો , શિક્ષણથી માંડીને રોજગાર , પરિવહનથી માંડીને પ્રવાસન જેવાં તમામ ક્ષેત્રે ગુજરાતે દર્શાવેલા ગુણાત્મક પરિવર્તનો ઉડીને આંખે વળગે છે .
સાચી દિશામાં કિસાનોને સુખી કરવા કૃષિ વિકાસ અને જળસંચયનું અભિયાન ઉપાડીને ગુજરાતની ખેતી અને ગામડાંને સમૃદ્ધિના ફળો મેળવતા કર્યા છે . કૃષિ મહોત્સવ રાજ્યના ૧૮૦૦૦ ગામડાઓમાં કૃષિ ક્રાંતિનું ઐતિહાસિક અભિયાન બની ગયો છે . આ સરકારે કિસાનોને વૈજ્ઞાનિક ખેતી તરફ વાળીને અને પશુપાલન આધારિત કૃષિ અર્થતંત્રને પ્રાણવાન બનાવ્યું છે . ગુજરાતમાં ખેડૂતો હવે આધુનિક ખેત પદ્ધતિ દ્વારા ઓછા ખર્ચે વધુ ઉત્પાદનો મેળવતા થાય તે માટે ગ્રીન હાઉસ , નેટ હાઉસ , ડ્રીપ , સ્પ્રીંકલર જેવી વૈજ્ઞાનિક પદ્ધતિથી પિયત પદ્ધતિ અપનાવે તે માટેની યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.આ ઉપરાંત સોઇલ હેલ્થ કાર્ડેના માધ્યમથી ગુજરાતની કિસાનોની ઉત્પાદન ક્ષમતા અને ગુજરાતના ખેતી અને ખેતીની જમીનની ગુણવત્તા સુધારવાથી લઇને કૃષિના પરીમાણોને નવી દિશા મળી છે .
કૃષિ અને ઉદ્યોગ બંને ક્ષેત્રના સમાંતર વિકાસ માટે નિઃસંદેહપણે આયોજનબદ્ધ સખત પુરુષાર્થ કરવો પડે . ગુજરાતે છેલ્લા બે દાયકા માં સૌના સાથ અને સહકારથી સૌનો કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રે સંકલિત વિકાસ કર્યો છે . દર વર્ષે એક કે એક થી વધુ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમીટ યોજી . ઉદ્યોગક્ષેત્રે ગુજરાતને દેશમાં જ નહીં પરંતુ વિશ્વના ફલક ઉપર મૂકી દીધું છે . ગુજરાત હિન્દુસ્તાનનું ઓટો હબ બનવા જઇ રહયું છે . ટેક્સટાઇલ , જવેલરી , ડાયમંડ પાર્ક અને પેટ્રોકેમિકલ , એનર્જી વગેરેની રાજધાની તરીકે ગુજરાતની ઓળખ પ્રસ્થાપિત થઇ છે . તો બીજી બાજુ ગુજરાતના આર્થિક વિકાસમાં લઘુ , મધ્યમ અને કુટિર ઉદ્યોગોના વિકાસ માટે પણ એટલું જ દૃષ્ટિવંત આયોજન કરવામાં આવ્યું છે .
એગ્રો ઉત્પાદનમાં ગુજરાતનો દેશના કૂલ ઉત્પાદનમાં સિંહ ફાળો છે . દેશનું ૭૦ ટકા મીઠું ગુજરાતમાં પાકે છે . ૯૦ ટકા કોસ્ટિક સોડા , ૬૦ ટકા કેમિકલ્સ , ૫૦ ટકા પેટ્રોકેમિકલ્સ , ૪૦ ટકા દવા , ૮૦ ટકા પોલીશ્ડ હીરાનું ઉત્પાદન કરી ગુજરાત દેશભરમાં મોખરે છે .
ગ્રામીણ ગરીબોના આર્થિક ઉત્થાન અને તેમને આત્મ નિર્ભર બનાવવા માટેના કાર્યક્રમ ઉપર વિશેષ લક્ષ કેન્દ્રિત કરવામાં આવ્યું . અને આ કાર્યક્રમ એટલે મિશન મંગલમ . મિશન મંગલમ્ માં રાજ્ય સરકાર જ નહિ , નામાંકિત ઉદ્યોગગૃહો , નાણાંકીય સંસ્થાઓ , સ્વૈચ્છિક સંગઠનો અને ગરીબ લાભાર્થી બધાનો સંયુક્ત પરિશ્રમ લેખે લાગવાનો છે . ગરીબ બહેનોના નાના – નાના સખીમંડળોની જાળ આખા ગુજરાતમાં પાથરી છે . મિશન મંગલમ એક એવું મીશન હાથમાં લીધું છે કે , જેને કારણે ગુજરાતની ગરીબમાં ગરીબ બહેન જેને ક્યારેય વ્યાજે પૈસા લેવા ન પડે અને ક્યારેક ઓશિયાળા ન થવું પડે . ગુજરાતમાં લાખો સખી મંડળો બન્યા છે . બેંકો સાથેના જોડાણ કર્યા છે .
સરકારી યોજનાઓ જો માત્ર કાગળ ઉપર રહે અને તેનો લાભ જરૂરતમંદ લોકોને ન મળે તો તેનો કોઇ અર્થ જ નથી . ગુજરાતના એકે એક વ્યક્તિને સરકારી યોજનાઓનો પૂરેપૂરો લાભ મળે તે માટે અમે રાજ્યની વહીવટી સત્તાને વિકેન્દ્રિત કરી સીમાચિહ્નરૂપ યોજના દાખલ કરી છે . રાજ્યમાં વસતા છેવાડાના માનવી સુધી ઝડપથી પહોંચવાનો અને સૌથી નજીકના સ્થળે તાલુકા એકમને સક્ષમ બનાવી સેવા સુવિધા પૂરી પાડવાનો ગુજરાત સરકારનો આ પ્રયાસ છે . દરેક તાલુકામાં જીસ્વાન કનેક્ટવીટી અને કોમ્પ્યુટર સુવિધાથી સુસજ્જ જનસેવા કેન્દ્રો ઉભા કરાયા છે .
રાજ્યમાં શિક્ષણનું સ્તર સુધરે અને રાજ્યના તમામ બાળકો પ્રાથમિક શિક્ષણ લે , શિક્ષિત બને અને વિકાસની મુખ્ય ધારામાં જોડાય એ માટે ઊડીને આંખે વળગે એવા નક્કર કામ છેલ્લા બે દાયકામાં થયા છે . ગુજરાતની ભાવિ પેઢીમાં વિકસતું ભારત દેખાય છે , એમના વિકાસ માટે શિક્ષણ ક્ષેત્રે ગુજરાતે અનેકવિધ નૂતન પહેલ કરેલી છે . શાળા પ્રવેશોત્સવ , ગુણોત્સવ , કન્યા કેળવણી પર વિશેષ ભાર , શાળાના ઓરડાઓનું આધુનીકરણ , સ્માર્ટક્લાસ , કોમ્પ્યુટર લેબ , મફત પાઠ્યપુસ્તકો , ગણવેશ , શિષ્યવૃત્તિ જેવી યોજનાઓ અમલ માં છે . શિક્ષણના નવતર પ્રયોગો અને પ્રયાસો માં પણ ગુજરાત મોખરે છે . બાળકોના ૧૦૦ ટકા નામાંકન માટે મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મંત્રીઓ અને વરિષ્ઠ અધિકારીઓ ત્રણ દિવસ માટે ગામેગામ ફરીને પસીનો પાડીને આ પ્રકારની કામગીરી કરે છે . આવા પ્રયાસો થી ડ્રોપ – આઉટ રેશિયો પણ ઘટી ગયો છે . .
ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોનો લાભ ગુજરાતના વિદ્યાર્થીઓને મળી રહે તે માટે પર્યાપ્ત વ્યવસ્થાઓ છેલ્લા બે દશકમાં ગુજરાતમાં નિર્માણ પામી છે . ગુજરાતનો યુવાન દેશ અને દુનિયામાં તેના કૌશલ્યનું કૌવત દેખાડી શકે તે માટે રાજ્ય સરકારે રાજ્યમાં ૩૯ કરતાં વધારે યુનિવર્સિટીઓ કાર્યરત છે . નવી કોલેજો માં વર્તમાનયુગની આવશ્યકતા પ્રમાણેના અભ્યાસક્રમો સાથે શરૂ કરવામાં આવ્યા છે . સમગ્ર દેશમાં સૌ પ્રથમવાર ચિલ્ડ્રન યુનિ . અને કમિશન ફોર એજ્યુકેશન ઇનોવેશન્સ એમ બે નવી સંસ્થાઓ શરૂ થઇ છે . રાજ્ય સરકારે ગુજરાત નોલેજ સોસાયટીની સ્થાપના કરીને ગુજરાતના યુવાનો માટે રોજગારીની તકો વધારવા પર્યાપ્ત પ્રયાસ કર્યો છે . વિશ્વકક્ષાની ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી , રક્ષાશક્તિ યુનિવર્સિટી , પંડિત દીનદયાળ પેટ્રોલિયમ યુનિવર્સિટી યુનિવર્સિટી જેવી વિશિષ્ટ માનવ સંશાધન યુનિવર્સિટીઓ શરૂ કરનારુ ગુજરાત પ્રથમ રાજ્ય છે .
20 વર્ષની વિકાસયાત્રામાં અનેક ક્ષેત્રોમાં વિકાસની અનેક પહેલ કરીને ગુજરાતે સફળતા મેળવી છે . ભારત જેવા કૃષિપ્રધાન દેશમાં કૃષિથી માંડીને ઉદ્યોગ , પીવાના પાણીથી માંડીને આંતરમાળખાકીય સવલતો , શિક્ષણથી માંડીને રોજગાર , પરિવહનથી માંડીને પ્રવાસન જેવાં તમામ ક્ષેત્રે ગુજરાતે દર્શાવેલા ગુણાત્મક પરિવર્તનો ની નોંધ વિશ્વ આખું લઇ રહ્યું છે .
“ વંદે ગુજરાત વિકાસ યાત્રા ” ગુજરાતી નિબંધ | Vande Gujarat Vikas Yatra Essay in Gujarati pdf